મણિપુરની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠક સંસદ ભવનમાં થઈ રહી છે, જેમાં જેપી નડ્ડા પણ સામેલ છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયન, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમા, આરજેડીના મનોજ ઝા, પશુપતિ પારસ અને સીપીઆઈ(એમ)ના સાંસદ જોન બ્રિટાસ બેઠકમાં હાજર છે. મમતા બેનર્જી અને શરદ પવારે આ બેઠકથી પોતાને દૂર રાખ્યા છે, જોકે ટીએમસીના સાંસદો બેઠકમાં હાજર છે.
મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. હિંસામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 50,000 થી વધુ લોકોએ તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશ્રય લીધો છે. લૂંટાયેલા છ હજાર હથિયારોમાંથી 1500 પણ પરત આવ્યા નથી. સુરક્ષા દળોના જવાનોનો રસ્તો રોકીને અવરોધ કરવામાં આવી રહ્યો છે. હવે આસામ રાઈફલ્સ સહિત અન્ય સુરક્ષા દળો પર પણ હુમલા શરૂ થઈ ગયા છે જેને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. વિપક્ષ લાંબા સમયથી સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી રહ્યો હતો.