દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં શુક્રવારે સાંજે ઈદ-ઉલ-ફિત્રનો ચાંદ દેખાયો હતો અને આજે દેશભરમાં ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ ઉલેમાઓએ શુક્રવારે જ આ અંગે જાહેરાત કરી હતી. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મોદીએ આ અવસર પર વિશ્વભરના લોકોને શાંતિ, સૌહાર્દ, સ્વાસ્થ્ય અને ખુશીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ હસીનાને પોતાના સંદેશમાં કહ્યું, 'ભારતના લોકો વતી હું તમને અને બાંગ્લાદેશના નાગરિકોને ઈદની શુભેચ્છા પાઠવું છું.' વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રમઝાનના પવિત્ર મહિનામાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમો ઉપવાસ કરે છે અને નમાજ અદા કરે છે અને ઈદ ઉલ ફિત્રના આ ખાસ અવસર પર વિશ્વભરના લોકો એકતા અને ભાઈચારાના મૂલ્યોની અનુભૂતિ કરી રહ્યા છે.