/connect-gujarat/media/post_banners/85e9256a13330554f1a7aec332ee7e9d7c904c90f2bb928fbf438f92b0872e53.webp)
મુંબઈમાં બાંદ્રા-વરલી લિંક રોડ પર ગઈકાલે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે ટોલ પ્લાઝા પાસે પાર્ક કરેલા 6 વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોનો બુકડો બોલી ગયો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમીક માહિતી અનુસાર ગઈકાલે રાત્રે 10.00 વાગ્યે સી લિંક પર ટોલ પ્લાઝાથી માત્ર 100 મીટર પહેલા આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસે કહ્યું હતું કે રાત્રે બાંદ્રા તરફ જઈ રહેલી એક હાઈસ્પીડ કાર અનેક વાહનો સાથે અથડાઈ હતી. ડીસીપીએ જણાવ્યું કે ઘાયલોમાંથી ચારની હાલત સ્થિર છે અને અન્ય બેની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘવાયેલા પૈકી એકની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને અન્ય પાંચ ભાભા હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોમાં કારનો ડ્રાઈવર પણ સામેલ છે.