/connect-gujarat/media/media_files/2026/02/10/birla-2026-02-10-16-56-54.png)
લોકસભામાં વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાના વિરૂદ્ધમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 118 સાંસદોએ પોતાનો ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈની અધ્યક્ષતામાં પ્રસ્તાવ નોટીસ સચિવાલયને આપવામાં આવી હતી. આ પ્રસ્તાવ પર કોંગ્રેસ, સપા અને ડીએમકે સહિત વિવિધ પક્ષોના 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, જોકે આ મામલે ટીએમસીએ તેનુ સમર્થન નથી આપ્યું.
વિપક્ષ દ્વારા બંધારણની કલમ 94 (C) હેઠળ આ નોટિસ આપવામાં આવી છે. વિપક્ષનો મુખ્ય આરોપ છે કે ગૃહમાં સ્પીકરનું વલણ પક્ષપાત ભર્યું રહ્યું છે. ગત 2 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીને પૂર્વ સેના પ્રમુખ એમ.એમ.નરવણેના અપ્રકાશિત સંસ્મરણો વિશે બોલતા અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગૃહની અવમાનનાના નામે આઠ વિપક્ષી સાંસદોને નિલંબિત કરવામાં આવતા વિપક્ષમાં રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે ગૃહમાં સત્તાધારી પક્ષને ખુલ્લી છૂટ આપવામાં આવે છે, જ્યારે વિપક્ષી અવાજને દબાવવામાં આવી રહ્યો છે.