/connect-gujarat/media/media_files/2025/02/13/gkXaPoexhfe1eFbEMqbO.jpg)
મણિપુરમાં બીરેન સિંહે સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયોની વચ્ચે હિંસાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. ગત રવિવારે બીરેન સિંહે રાજ્યપાલ અજયકુમાર ભલ્લા સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવવા માટે ભાજપના નેતાઓની બેઠકો થઈ રહી હતી. મણિપુર પ્રભારી સંબિત પાત્રા ભાજપના દિગ્ગજ નેતાઓ સાતે મીટિંગ કરી રહ્યા હતા. જો કે હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે.
સંવિધાનની કલમ 174(1) મુજબ રાજ્ય વિધાનસભાઓને તેમની છેલ્લી બેઠકના છ મહિનાની અંદર બોલાવવી ફરજિયાત છે. મણિપુરમાં છેલ્લી વિધાનસભા બેઠક 12 ઓગસ્ટ 2024ના રોજ બોલાવવામાં આવી હતી. પરંતુ ગઈ કાલે, એટલે કે બુધવારે વિધાનસભા સત્ર બોલાવવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે.
જો કે, રાજ્યપાલ અજય ભલ્લાએ રવિવારે મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ સોમવારથી શરૂ થનારા બજેટ સત્રને સસ્પેન્ડ કરી દીધું છે. બિરેન સિંહે તેમની સરકારના અવિશ્વાસ પ્રસ્તાવ અને મહત્વના ફ્લોર ટેસ્ટનો સામનો કરવા એક દિવસ પહેલા જ પદ છોડ્યું, જેના કારણે રાજકીય ટકરાવની સંભાવના ટળી ગઈ. મે 2023માં મણિપુરમાં જાતીય હિંસા ફાટી નીકળ્યા પછી લગભગ 2 વર્ષ બાદ અને વિપક્ષના વધતા દબાણ વચ્ચે તેમનું રાજીનામું આવ્યું, જે સતત તેમને હટાવવાની માંગ કરી રહ્યા હતા.