પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બોર્ડના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ સ્ટ્રેસ લેવલને કેવી રીતે ઘટાડી શકે તે મુદ્દે વાતચીત કરતા પીએમ મોદી તણાવ મુક્તિનો મંત્ર વિદ્યાર્થીઓ સાથે શેર કરશે. ભારત મંડપમમાં યોજાનાર આ કાર્યક્રમ માટે ત્રણ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જેઓ તેને પ્રત્યક્ષ જોઈ અને સાંભળી શકશે. વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર પીએમ મોદીની ચર્ચાની આ સાતમી આવૃત્તિ છે.
બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા અને તેમને પરીક્ષા દરમિયાન તણાવને દૂર કરવાનો મંત્ર આપતા જોવા મળશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપતા જોવા મળશે. આ વખતે, પરીક્ષા પર વિદ્યાર્થીઓ સાથે PMની ચર્ચા માટે ભારત અને વિદેશના 2.27 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાએ પોતાને રજીસ્ટર કરાવ્યા છે. જે એક રેકોર્ડ છે. ભારત મંડપમમાં યોજાનાર આ કાર્યક્રમ માટે ત્રણ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જેઓ તેને પ્રત્યક્ષ જોઈ અને સાંભળી શકશે.
આ દરમિયાન, શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો, ઉપરાજ્યપાલો અને મુખ્યમંત્રીઓને પત્ર લખીને વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર PMની ચર્ચાને દરેક વિદ્યાલયમાં લાઇવ જોવાની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો છે. જેના પગલે દેશભરની શાળાઓ અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી લાઇવ આ કાર્યક્રમ નિહાળી શકશે.