કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને ફરી રહ્યાં છે. રાહુલ ગાંધી રવિવારે તેમની આ યાત્રાને કર્ણાટકના મૈસુરમાં લઈ આવ્યાં હતા પરંતુ અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં પણ રાહુલ ગાંધીએ હજારો લોકોને સંબોધિત કર્યાં હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રવિવારે મૈસૂર પહોંચી હતી. રાહુલે મૈસુરના એપીએમસી મેદાનમાં લોકોને સંબોધિત કર્યાં અને આ દરમિયાન જોરદાર વરસાદ ચાલી રહ્યો હતો તેમ છતાં પણ રાહુલે રેલી અટકાવી નહોતી અને ચાલુ વરસાદમાં બોલતાં રહ્યાં હતા.
વીડિયોમાં જોઇ શકાય છે કે રાહુલ ગાંધી વરસાદ વચ્ચે રેલીને સંબોધિત કરી રહ્યા છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારત જોડો યાત્રા કર્ણાટક પહોંચી ગઈ છે. નદી જેવી યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલશે. તમને આ નદીમાં હિંસા, નફરત નહીં દેખાય. માત્ર પ્રેમ અને ભાઈચારો જ જોવા મળશે. આ યાત્રા અટકશે નહીં. હવે જુઓ, વરસાદ પડી રહ્યો છે, વરસાદે હજી મુસાફરી બંધ કરી નથી. આ યાત્રાનો હેતુ દેશમાં નફરત ફેલાવી રહેલા ભાજપ અને આરએસએસ સામે ઉભા રહેવાનો છે. રાહુલ ગાંધીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પણ આ વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું, "અમને ભારતને એક કરતા કોઈ રોકી શકશે નહીં. ભારતનો અવાજ ઉઠાવતા અમને કોઈ રોકી શકશે નહીં. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાને કોઈ નહીં રોકી શકે.