રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં પટના હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. હાઈકોર્ટે પટનાના MP MLA કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. હવે રાહુલ ગાંધી 25મી એપ્રિલે પટનાની નીચલી કોર્ટમાં હાજર નહીં થાય. હાઈકોર્ટે સુનાવણીની આગામી તારીખ 15 મે નક્કી કરી છે અને આ તારીખ સુધી નીચલી કોર્ટની કાર્યવાહી પર પણ રોક રહેશે. 2019માં જ આ અરજી મોદી સરનેમ કેસને લઈને દાખલ કરવામાં આવી હતી. ભાજપના સાંસદ સુશીલ મોદીએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં પટનાની સાંસદ-ધારાસભ્ય કોર્ટે રાહુલને 25 એપ્રિલે વ્યક્તિગત રીતે હાજર થવા માટે કહ્યું હતું.
આ પછી રાહુલે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે જસ્ટિસ સંદીપ કુમારની સિંગલ બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જણાવી દઈએ કે, મોદી સરનેમ કેસની બદનક્ષીના ચાર વર્ષ જૂના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય બાદ સચિવાલય દ્વારા તેમની સંસદ સભ્યપદ પણ રદ્દ કરવામાં આવી હતી. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ સ્પીકર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી કર્ણાટકના કોલારમાં ભાષણ આપી રહ્યા હતા. અહીં તેમણે મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું.