કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 33મો દિવસ છે. તમિલનાડુથી શરૂ થયેલી યાત્રા હવે કર્ણાટક પહોંચી છે. સોમવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તુમકુર જિલ્લાના પોચકટ્ટેથી પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
અગાઉ 32માં દિવસે તુમકુરના તિપ્તુરથી પદયાત્રા શરૂ થઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સ્થાનિક લોકો અને કાર્યકરો સાથે વાતચીત કરી હતી.
આ પહેલા રવિવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશના 'રાજા'એ આદેશ આપ્યો છે - બેરોજગારી, મોંઘવારી, નફરત અને અસમાનતા સામે ઉઠતા દરેક અવાજને કચડી નાખવામાં આવે. આ આકાંક્ષા અને હુકમની સામે નિર્ભય યુવાનો ઉભા છે, જેમની ગર્જના આજે પણ દેશના દરેક રસ્તા પર ગુંજી રહી છે. તેઓ દબાવવામાં આવશે નહીં. ગુરુવારે કોંગ્રેસ વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. આ દરમિયાન તે પોતાના પુત્ર રાહુલ ગાંધી સાથે પગપાળા પણ ચાલ્યા હતા. સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધીની એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં તે પોતાની માતાના પગરખાં બાંધતા જોવા મળે છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આ પદયાત્રા પાંચ મહિનામાં 12 રાજ્યોને આવરી લેશે. આ યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આ પદયાત્રા 21 દિવસ કર્ણાટકના પ્રવાસે રહેશે.