સુરત : સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભરૂચ-ખરચના દયાનંદ વર્મા બ્રેઈન ડેડ થતાં અંગદાન કરાયું, 6 વ્યક્તિઓને મળ્યું નવજીવન..

New Update
સુરત : સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભરૂચ-ખરચના દયાનંદ વર્મા બ્રેઈન ડેડ થતાં અંગદાન કરાયું, 6 વ્યક્તિઓને મળ્યું નવજીવન..

બિપરજોય વાવાઝોડા વચ્ચે સુરતથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય બ્રેઈન ડેડ દયાનંદ શિવજી વર્માનું અંગદાન કરવામાં આવ્યું છે. દયાનંદના હૃદય, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન બક્ષી છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાનની 47મી ઘટના બની છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ગામ ઓઝવલીયા, પો. બસરીખાપુર જી. બલીયા, ઉત્તરપ્રદેશ અને હાલ ૨૫૩, સૂર્યકિરણ સોસાયટી, ગામ. ખરચ તા. હાંસોટ, જી. ભરૂચમાં રહેતા દયાનંદ શિવજી વર્મા ખરચ ખાતે આવેલ GSFC ફાયબર યુનિટની કોલોનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. દયાનંદ ૧૨ જૂનના રોજ સવારે બાથરૂમમાં પડી જતા બેભાન થઇ ગયા હતા, પુત્ર રવિ અને દયાનંદ સાથે સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અજયકુમાર સિંગ તેને કોસંબામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે પરિવારજનોએ દયાનંદને ૧૩ જૂનના રોજ સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા હતા. ગત તારીખ ૧૪ જૂનના રોજ તબીબોએ બ્રેનડેડ જાહેર કરી દયાનંદના પરિજનોને અંગદાન વિશે સમજ આપી હતી. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને અને બંને કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી. ROTTO દ્વારા હૃદય મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પીટલને ફાળવવામાં આવ્યું હતું.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દયાનંદની પત્ની શાંતિદેવી, પુત્ર રવિકુમાર, દયાનંદના સાથી કર્મચારી ભીમ બહાદુર, અજયકુમાર સિંગ, યોગેન્દ્ર વર્માને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. ત્યારબાદ દયાનંદની પત્ની શાંતિદેવીએ જણાવ્યું કે, અમે ખૂબ જ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈપણ ચીજવસ્તુઓનું દાન અમે કરી શકીએ તેમ નથી, આજે મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી જેટલા પણ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો, ત્યારે પરિવારની સંમતિ બાદ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરીવલ્લી, મુંબઈના રહેવાસી ૬૫ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે. હૃદય, લિવર અને કિડની સમયસર હવાઈ માર્ગે મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને સુરત શહેર પોલીસ દ્વારા 2 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ 1 હજારથી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

Latest Stories