મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને પેચ ફસાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના મુખ્યમંત્રીપદના બદલામાં ગૃહ અને નાણાં મંત્રાલયની માગ કરી રહી છે, તેથી શુક્રવારે મુંબઈમાં યોજાનારી મહાગઠબંધન (ભાજપ + શિવસેના શિંદે જૂથ + NCP અજિત પવાર)ની મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવામાં આવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અચાનક સતારા ગયા છે. હવે 1 ડિસેમ્બરને રવિવારે મહાયુતિની બેઠક યોજાય એવી શક્યતા છે. રવિવારે સવાર સુધીમાં ભાજપના 2 નિરીક્ષક દિલ્હીથી મુંબઈ આવશે. તેમની હાજરીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં 2 નિરીક્ષકની હાજરીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. ભાજપ મરાઠા ચહેરા પર પણ વિચાર કરી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્યાર બાદ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.