પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (૨૦૨૨) દ્વારા પત્રકારો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જર્નાલિસ્ટિક કંડક્ટ, ૨૦૨૨ના ધોરણોની આ સુધારેલી આવૃત્તિમાં અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ જેવા કે, સેક્સ વર્કર્સ, બાળત્યાગ, આત્મહત્યા, વગેરેના રિપોર્ટીંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ માર્ગદર્શિકા ભાગ “એ” થી “ઈ” એમ કુલ ૬ ભાગમાં પ્રકાશિત કરવામાં આવી છે. ભાગ “એ” માં પત્રકારો માટેના સિદ્ધાંતો અને નીતિમત્તા; ભાગ “બી”માં વિશેષ કવરેજ માટે ધ્યાનમાં રાખવાની બાબતો; ભાગ “સી”માં પ્રેસને લાગતી કાયદાકીય બાબતો; ભાગ “ડી”માં પ્રેસ કાઉંસિલની સત્તા, કાર્યવાહી અને પ્રથા તથા ભાગ “ઈ”માં પત્રકારત્વની ઉચિત પ્રથાઓનો સમાવેશ થાય છે. પત્રકારત્વ વ્યવસાયની ગરિમા વિશે સમજાવતા પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકાની પ્રસ્તાવનામાં જણાવવામાં આવ્યું છે કે, લોકશાહીમાં સ્વતંત્ર પ્રેસ વૈકલ્પિક નહીં પણ અનિવાર્ય વ્યવસ્થા છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, વર્ષ ૨૦૨૨ની નવી માર્ગદર્શિકાનું મહત્વ જણાવતા જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ, ચેરપર્સન ઓફ પીસીઆઇ જણાવે છે કે, પ્રેસ કાઉન્સિલ દ્વારા પત્રકારિતાના માટે યોગ્ય આચારની ૨૦૨૨ની આવૃત્તિ મીડિયામાં કામ કરતા અને કામ કરવા ઈચ્છુક વ્યક્તિઓ અને કર્મચારીઓને પત્રકારત્વ માટે જરૂરી નીતિમત્તા અંગેનું માર્ગદર્શન આપશે.