વલસાડમાં તા. 23 જૂનના રોજ પ્રજાની સમસ્યાનું સુખદ અને ત્વરિત નિરાકણ એટલે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારોને કચેરીના ધક્કા ન ખાવા પડે અને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવામાં આવે છે. જેને પગલે નાગરિકોના ચહેરા પર સંતોષની ખુશી જોવા મળી રહી છે.
આવો જ એક બનાવ વાપીમાં બન્યો હતો, જ્યાં ૩ વર્ષથી લોકો ગટરની સમસ્યાથી પરેશાન હતા. આ સમસ્યા તાલુકા સ્વાગતમાં આવતા જ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની કડક સૂચનાને પગલે સમસ્યાનો ત્વરિત ઉકેલ આવતા રહીશોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. વલસાડ જિલ્લાના વાપીમાં આરજીએસ હાઈસ્કૂલની સામે ખાન સ્ટ્રીટ પાસેથી પસાર થતી ગટર લાઈન વારંવાર જામ થતા પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું હતું. જે સમસ્યાનો સુખદ ઉકેલ આવતા અરજદાર અબ્દુલ માલિક અબ્દુલ ખલીફખાનએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી ગટર લાઈન ઉભરાતા ગંદુ પાણી રસ્તા પર વહેતુ હતું. જે બાબતે પાલિકા સાફ સફાઈ કરતી અને થોડા દિવસ બાદ જેવી હતી તેવી જ મૂળ સ્થિતિ પુનઃ જોવા મળતી હતી. તેમાં પણ ખાસ કરીને અમારી સમસ્યા ત્યારે વધી ગઈ કે, જ્યારે વાપી રેલવે બ્રિજ તૂટવાથી તેના કાટમાળને કારણે આખી ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હતી. જે માટે વાપી નગરપાલિકામાં અરજી કરી હતી. પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. એક દિવસ હુ મારા કામ અર્થે વલસાડ કલેકટર કચેરીમાં ગયો હતો, ત્યારે સ્વાગત કાર્યક્રમના પોસ્ટર જોયા હતા. તેના થકી કલેકટર કચેરીમાંથી વિસ્તૃત માહિતી મળી હતી. અને અરજી કરી હતી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવાથી વાપી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મને બોલાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ વાપી પાલિકાને અમારી સમસ્યાનો ત્વરિત ઉકેલ આવે તે માટે સૂચન કર્યુ હતું. જેથી તાત્કાલિક અસરથી સફાઈ કામદારો અને જેસીબી વડે વર્ષોથી જામ ગટર લાઈનની સફાઈ કરાવવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારમાં રહેતા ૫૦ ઘરના રહીશો તેમજ સામે આવેલા સ્કૂલના સિનિયર કેજીથી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ રાહત મળી છે. જો આ કામગીરી ત્વરિત ન થાત તો ગટરના પાણી અમારા ઘરોમાં ભરાઈ જાત અને ચોમાસામાં તો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવુ પડતે. આ સંજોગોમાં સ્વાગત કાર્યક્રમ ૫૦ ઘરોના રહીશો માટે આશીર્વાદરૂપ બન્યો છે. જે બદલ હુ ગુજરાત સરકાર અને વલસાડ જિલ્લા કલેકટરનો આભાર માનુ છું. આમ, વલસાડ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ જનસેવાનું સાર્થક માધ્યમ બન્યુ છે. આ કાર્યક્રમને પગલે લોકોમાં પણ પોતાના હક્ક અને અધિકારો પ્રત્યે જાગૃતિ વધી રહી છે.