/connect-gujarat/media/media_files/2025/08/23/agaman-2025-08-23-15-33-02.jpg)
દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે, પરંતુ મુંબઈ, કોંકણ સહિત મહારાષ્ટ્રમાં અનેરૂ મહત્વ છે. લોકો ગણપતિ બાપ્પાને ઘરમાં, સોસાયટીમાં લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.
વચ્ચે ત્રણ-ચાર દિવસ સતત વરસાદ પડ્યો હતો તેથી લોકોની ખરીદી અને તૈયારી પર બ્રેક લાગી હતી. હવે બજારોમાં લોકો ઊભરાઈ રહ્યા છે અને ગણપતિ દાદાને આવકારવા થનગની રહ્યા છે ત્યારે હવામાન ખાતાએ ફરી આગાહી કરી લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
જૂન અને જુલાઈમાં રાહ જોઈને થાક્યા તોયે જોઈએ તેવો વરસાદ ન આવ્યો તે ઑગસ્ટ મહિનામાં મન મૂકીને વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આગામી બે અઠવાડિયા માટે આગાહી કરી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે કોંકણ તેમજ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સરેરાશથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. કોંકણમાં વરસાદ પડે ત્યારે મુંબઈ પણ ભીંજાયા વિના રહેતું નથી, આથી ગણેશોત્સવ સમયે મુંબઈમાં પણ વરસાદની સંભાવના છે.
21 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી, ઉત્તર કોંકણ એટલે કે મુંબઈ, થાણે, પાલઘર સહિતના જિલ્લાઓમાં દરરોજ સરેરાશ 20 થી 40 મીમી વરસાદ પડી શકે છે. દરિમયાન રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ઓછો વરસાદ પડશે. ત્યારબાદ, 28 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન, સમગ્ર કોંકણ ક્ષેત્રમાં દરરોજ સરેરાશ 20 થી 40 મીમી વરસાદ પડવાની સંભાવના છે.
દેશના ઉત્તરપશ્ચિમ ભાગમાં ઑગસ્ટ મહિનામાં સરેરાશથી વધુ વરસાદ પડ્યો છે, જેની અસર ઉત્તર કોંકણ તેમજ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર પડી છે. આ વરસાદ દરરોજ સરેરાશ વરસાદ કરતાં સાતથી દસ અથવા 10 થી 15 મીમી વધુ હોવાની સંભાવના છે. ૨૮ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર કોંકણ કિનારા પર સરેરાશથી થોડો વધારે વરસાદ પડવાની શક્યતા છે, તેમ હવામાન વિભાગની આગાહી જણાવે છે.
મોટેભાગે ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં વરસાદ હોય એટલે ગણેશોત્સવ દરમિયાન વરસાદના બે ઝાંપટા આવે તેનાથી મુંબઈગરાઓનો જુસ્સો ઓછો થતો નથી, પરંતુ રસ્તા પર પડેલા ખાડા, ટ્રાફિકજામ અને ઠપ થઈ જતુ જનજીવન ચોક્કસ મુંબઈગરાઓ માટે આફત બની જાય છે. આવી સ્થિતિમાં નાની સોસાયટીમાં ગણપતિ બેસાડેલા હોય કે ઘરમાં બેસાડેલા હોય તેઓ એક દિવસ, દોઢ દિવસના ગણપતિ પણ લેતા હોય છે. તેમને વિસર્જન કરવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડે છે.
મુંબઈથી કોંકણનો રસ્તો પહેલેથી જ ખાડાવાળો અને ભયાનક છે, તેવામાં વરસાદ ખાબકી પડે તો વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે. રોજબરોજનું જીવન ખોરંભે ચડતા બાપ્પાની પૂજાને બદલે પાલિકાની આરતી ઉતારવાનું મન મુંબઈગરાઓને થઈ જતું હોય છે.
આથી જો ભારે વરસાદ થાય તો શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તાર બન્ને માટે ઉપાધિ થઈ પડે.ગણપતિને વિધ્નહર્તા પણ કહેવાય છે ત્યારે આશા રાખીએ કે બાપ્પા વરસાદનું વિધ્ન તેમની આરાધના આડે ન આવવા દે.
Mumbai | Mumbai RainFall | Ganeshotsav Celebration