જમ્મુ કાશ્મીરના શોપિયામાં આંતકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ અથડામણ સ્થળે જઈ રહેલા અન્ય આર્મી જવાનોના વાહનને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 2 જવાનો શહીદ થયા હતા, જ્યારે 2 જવાનોને ગંભીર ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

આર્મી અધિકારીઓએ જણાવ્યુ હતું કે, જમ્મુ કાશ્મીરના 44 RR ચૌગામ કેમ્પથી સૈનિકોને લઈને એક સૂમો બુડિગામ અથડામણ સ્થળ તરફ જવા રવાના થઈ હતી. તે દરમ્યાન વાહનના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં કુલ 4 જવાન ઘાયલ થયા હતા, જેમને શોપિયાની જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં 2 જવાનોના મોત થયા હતા. વધુમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, અન્ય 2 ઇજાગ્રસ્ત જવાનોને શ્રીનગરની 92 બેસ આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.