/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/02151236/maxresdefault-13.jpg)
જામનગર શહેરમાં ભાજપ ના મેયરના વોર્ડમાં આજે કોંગ્રેસ દ્વારા નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મેયરના વોર્ડમાં માર્ગ પર પડેલા ખાડાની વચ્ચે વિપક્ષી કોર્પોરેટર સહિતના કોંગી અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.
ચોમાસાની ઋતુમાં વરસાદે જોર જમાવ્યા બાદ રાજ્યભરમાં રસ્તાઓની હાલત કફોડી બની છે. જેને લઈને ઠેકઠેકાણે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગોના મુદ્દે નવીન પ્રકારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જામનગરના મેયરના વોર્ડ નંબર 10 વિસ્તારના સ્વામિનારાયણ નગરમાં માર્ગ પર પડેલ ખાડાઓમાં ભરાયેલ પાણીની વચ્ચે બેનરો લગાવવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં વરસાદી વાતાવરણ પછી અનેક સ્થળોએ માર્ગમાં ખાડા પડી ગયા છે, તેમજ વરસાદ રોકાઈ ગયા પછી પણ હજુ પાણીના ખાબોચિયા ઠેર-ઠેર ભરાયેલા છે. જેના કારણે ગંદકી ફેલાયેલી છે. જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી સહિતના વિપક્ષના નેતાઓએ મેયરના વોર્ડમાં ભ્રમણ કર્યું હતું, અને માર્ગની વચ્ચે પડેલા ખાડામાં વૃક્ષારોપણ કર્યું હતું. ખરાબ રસ્તાઓના મુદ્દે ધરણાં યોજી અનોખો વિરોધ પ્રકટ કર્યો હતો.