જામનગર : નવા કરવેરા વિનાના 612.49 કરોડ રૂા. ના વ્યાપવાળા બજેટને સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી

જામનગર : નવા કરવેરા વિનાના 612.49 કરોડ રૂા. ના વ્યાપવાળા બજેટને સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી
New Update

જામનગર મહા નગરપાલિકાના વર્ષ 2021-22ના કોઇપણ નવા કરબોજ વગરના 612.49 કરોડના અંદાજપત્રને સ્ટેન્ડીંગ કમિટીએ મંજુરી આપી છે. બજેટમાં કોરોનાને કારણે નવો કોઇ જ કર વધારો સૂચવવામાં આવ્યો નથી. હાલના જે દર છે તે દર યથાવત રાખવામાં આવ્યા છે.

જામનગર મહાપાલિકાનું વર્ષ 2021-રરનું અંદાજપત્ર આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ મનિષ કટારિયાને સુપ્રત કરવામાં આવ્યું હતું. કોરોના અને ચૂંટણીને કારણે વિલંબથી રજૂ થયેલાં 612.49 કરોડના બજેટમાં કોઇપણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી. વર્ષના અંતે 203 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. કોરોના કાળને કારણે વિલંબથી રજુ થયેલાં આ બજેટમાં નવા વેરા કે નવા કામોના સમાવેશનો કોઇ અવકાશ ન હોય વિલંબ વગર સ્થાયી સમિતિ દ્વારા આ બજેટને બહાલી આપી દેવામાં આવી હતી.આગામી 30 માર્ચે યોજાનારી જામ્યુકોની સામાન્ય સભાની બજેટ બેઠકમાં બજેટ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ બહાલી આપવામાં આવશે.

આ વર્ષે ‘નલ સે જલ’અભિયાન અંતર્ગત શહેરમાં પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભું કરવા માટે નવા રપ કરોડના કામો તેમજ ભૂગર્ભ ગટર નેટવર્ક ઉભું કરવા માટે પણ 61.79 કરોડના કામો હાથ ધરવામાં આવશે. જયારે શહેરમાં સડક યોજના અને લોક ભાગીદારી અંતર્ગત રપ કરોડના ખર્ચે ડામર અને સિમેન્ટ રોડનું નિર્માણ કરવામાં આવશે. મનપા તરફથી ટાગોર કલ્ચરલ કોમ્પ્લેક્ષનો ડીપીઆર તૈયાર કરી લેવામાં આવ્યો છે. લાલપુર બાયપાસ પાસે નવું સ્મશાન બનાવવામાં આવશે. તેમજ સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધીના રીંગરોડને પહોળો બનાવવામાં આવશે. જયારે બીજા તબકકામાં વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર સુધીના રીંગરોડનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1404 આવાસ યોજનાનું રી -ડેવલોપમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જામનગરના નવા વિસ્તરેલાં વિસ્તારોને ધ્યાનમાં રાખી શહેરમાં હાપા અને લાલપુર બાયપાસ પાસે બે નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જયારે રૂા. ર કરોડના ખર્ચે ફાયરના નવા સાધનો વસાવવામાં આવશે.

#Jamnagar #budget #Standing Committee #Jamnagar Mahanagar Palika
Here are a few more articles:
Read the Next Article