ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત GIDCની એક કંપનીમાં બાંધકામનું કામ કરતા કોન્ટ્રાક્ટરના રૂપિયા ૯ લાખ ૮૬ હજાર ઉપરાંતના બાંધકામ મટિરીયલની ચોરી થવા પામી છે. મળતી માહિતી અનુસાર, ઇફવા ઇન્ફા એન્ડ રિચર્સ નામની કંપની દ્વારા ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ નર્મદા ક્લિનટેક નામની કંપનીમાં બાંધકામનો કોન્ટ્રાક્ટ લઇને કામગીરી કરવામાં આવે છે. આ કંપનીમાં હાલમાં બાંધકામની કામગીરી ચાલુ છે.

બાંધકામ માટેનો જરૂરી સામાન કંપનીની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યો હતો. હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કંપનીના પ્લોટ ફરતે દિવાલ બનાવવાની કામગીરી ચાલે છે. સામાન સાચવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા દિવસના એક અને રાતના 2 સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. જોકે, ગત તા. 6ના રોજ કંપનીમાંથી બાંધકામના સામાનની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જ્યાં કેબલ ડ્રમને ખેંચીને લઇ ગયાના લિસોટા જણાયા હતા. તપાસ કરતા કંપનીની નજીકમાં આવેલ ઝાડી ઝાંખરામાં પાવર કેબલનો ડ્રમ પડેલો જણાયો હતો.

આ ડ્રમમાં પાવર કેબલ હતો નહીં. આ ડ્રમમાં રહેલો 1425 મીટર લાંબો રૂ. 4,86,593 કિંમતનો કેબલ ચોરાયો હોવાની જાણ થઇ હતી. ઉપરાંત બાંધકામ માટે કાપીને મુકેલા 5495 મેટ્રિક ટન સળિયા જેની કિંમત રૂ. 5 લાખ જેટલી થાય છે. તેને પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. કોન્ટ્રાક્ટ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર ચંદ્રકાન્ત મહાજન મુળ રહે. મહારાષ્ટ્ર અને હાલ રહે. ગડખોલ પાટિયા અંકલેશ્વરનાએ ઝઘડીયા પોલીસ મથકમાં બાંધકામનો સામાન ચોરી જનાર અજાણ્યા તસ્કર વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છે કે, ઝઘડીયા જીઆઇડીસીમાં અવારનવાર વિવિધ મુદ્દામાલની ચોરી થતી હોવાની ઘટનાઓ બનતી હોય છે.