આણંદના બોરસદમાં નશાની હાલતમાં કાર હંકારી પોલીસ ઇન્સ્પેકટર પી.પી. વસાવાએ અકસ્માત સર્જ્યો હતો.બાઇક સવાર બે યુવકોને કારથી જોરદાર ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.જોકે સ્થાનિક લોકોએ પીઆઇને ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધા હતા.

આણંદ જિલ્લાના બોરસદ-નાપા માર્ગ પર એક ચોંકાવનારો અને કાયદાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેકટર પી.પી. વસાવાએ દારૂના નશામાં ધૂત થઈ બેફામ કાર હંકારીને ઉપરાછાપરી અકસ્માતો સર્જ્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

બોરસદ પાસે પીઆઈ વસાવાએ પોતાની કારથી એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી,અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આગળ વધીને વહેરા પાટીયા નજીક તેમણે એક બાઈકને પણ પાછળથી અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બે નિર્દોષ યુવકો હવામાં ઊછળીને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આટલો ગંભીર અકસ્માત સર્જ્યા બાદ પણ પીઆઈ વસાવાએ કાર રોકવાની તસ્દી લીધી ન હતી અને તેઓ નાપા તરફ ભાગ્યા હતા. જો કે, આગળ જતાં નાપા નજીક નિયંત્રણ ગુમાવતા કાર એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ રોડ સાઈડની ઝાડીઓમાં ઉતરી ગઈ હતી.

ઘટનાને પગલે એકઠા થયેલા સ્થાનિક લોકોએ પીઆઈ પી.પી. વસાવાને સ્થળ પર જ દબોચી લીધા હતા અને બોરસદ ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા હતા. અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી પોલીસના સત્તાવાર બૂટ, ટોપી અને ઓળખકાર્ડ મળી આવ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ અનુસાર પીઆઈ ભારે નશાની હાલતમાં હતા. હાલમાં બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી મેડિકલ ટેસ્ટ સહિતની કાયદેસરની તપાસ હાથ ધરી છે.