ભરૂચના અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિવાસી શાળાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજેશ દેસાઈ તેમજ ચીફ ઓફિસર એ.વાય.મંડોરીએ  મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો નિહાળ્યા હતા.

બાળકોના આત્મવિશ્વાસ, પ્રતિભા અને ઉત્સાહથી પ્રભાવિત થઈ તેમણે તેમની ખુલ્લા હૃદયે પ્રશંસા કરી અને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કર્યા.આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ સંસ્થા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો ત્યારબાદ તેમણે શાળા, તાલીમ વિભાગ, રહેણાંક વ્યવસ્થા તેમજ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મગનભાઈ હનિયા, ઉપપ્રમુખ ભરતભાઈ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ સહિત સંસ્થાના હોદ્દેદારો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.