જુનાગઢ : ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે રૂ. 9 લાખની છેતરપિંડી, ઠગબાજ જોડી રફુચક્કર થઇ જતાં નોંધાઈ ફરિયાદ

New Update
જુનાગઢ : ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે રૂ. 9 લાખની છેતરપિંડી, ઠગબાજ જોડી રફુચક્કર થઇ જતાં નોંધાઈ ફરિયાદ

વડોદરાના કુખ્યાત ઠગ અને યૂટ્યૂબ સ્ટાર યુવતીએ મળીને જુનાગઢના યુવાનને ગુજરાતી ફિલ્મ બનાવવી છે, તેમ કહી રૂપિયા 9 લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે હાલ તો આ ઠગબાજ બંટી ઓર બબલીની જોડી રફુચક્કર થઇ જતાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આપે બંટી ઓર બબલી ફિલ્મ તો જોઈ જ હશે. જેમાં બન્ને ઠગ દ્વારા અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે તેવું દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે આવો જ કિસ્સો જુનાગઢ ખાતે પણ બનવા પામ્યો છે. તસવીરમાં દેખાતા આ શખ્સનું નામ રોહિત પટેલ અને યુવતીનું નામ પૂજા પંચાલ છે. આ બન્ને ગુજરાત રાજ્યના વડોદરા શહેરના વતની છે. પરંતુ હાલ બન્ને ફરાર થઇ ગયા છે. કારણ કે, આ બન્નેએ મળીને લોકોને ફિલ્મ બનાવવાના નામે છેતરવાનો પ્રયાસ કર્યો છે. આ બન્ને ઠગબાજ વિરુદ્ધ જુનાગઢ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે. જુનાગઢના હરેશ ઓઝા નામના એક યુવકે તેની સાથે રૂપિયા 9 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જોકે ફરિયાદ થતા જ આ બંટી બબલીની જોડી એટલે કે, રોહિત પટેલ અને પૂજા પંચાલ રફુચક્કર થઇ ગયા છે.

જુનાગઢના વતની હરેશ ઓઝાના સંપર્કમાં રોહિત પટેલ અને પૂજા પંચાલ આવ્યા ત્યારે આંબા આંબલીની જેમ કોઈ બીજાની આલીશાન ઓફિસ બતાવી તેને ગુજરાતી ફિલ્મમાં નાણાંનું રોકાણ કરવા જણાવ્યું હતું. ઉપરાંત સરકાર ફિલ્મોમાં સબસીડી આપતા હોય અને નાણાં ડબલ થઇ જવાનું જણાવ્યુ હતું. પરિણામે હરેશ ઓઝાએ પહેલા 5 લાખ અને ત્યાર બાદ 4 લાખ મળી કુલ 9 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ કોણ તું અને કોણ હું જેવો ઘાટ સર્જીને આ ઠગબાજ જોડીએ ઠેંગો બતાવી દીધો હતો. આ દરમ્યાન અનેક વખત ઉઘરાણી કરવા છતાં નાણાં પરત નહિ મળતા આખરે હરેશ ઓઝાએ જુનાગઢ સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે હવે આ કુખ્યાત ચીટર જોડીને વહેલી તકે ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories