/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/02181955/maxresdefault-23.jpg)
જુનાગઢ શહેર કોંગ્રેસના અગ્રણી અને મહાનગરપાલિકાના પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની સરાજાહેર હત્યા થતાં ચકચાર મચી છે. જોકે, હત્યા પાછળનું કારણ રાજકીય અદાવત હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. શહેરના વોર્ડ નંબર 15માં વર્ષોથી નગરસેવક તરીકે ચુંટાતા અને મહાનગરપાલિકાના મેયર રહી ચૂકેલા લાખા પરમારનો પુત્ર ધર્મેશ પરમારની પત્ની પણ નગરસેવક રહી ચૂકી છે. તાજેતરમાં પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં લાખા પરમારે કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 15 માં ઉમેદવારી કરી હતી. ત્યારથી ભાજપ અને કોંગ્રેસના વોર્ડ નંબર 15ના આગેવાનો અને નગરસેવક સામસામે આવી ગયા હતા.
ચૂંટણી સમયે પણ મારામારી થઈ હતી અને હવે આ રાજકીય અદાવતે પૂર્વ મેયરના પુત્રનો જીવ લીધો છે. મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, જુનાગઢ ભાજપના અગ્રણી અને વોર્ડ નંબર 15ના ચૂંટણી સમયે પ્રભારી રહેલા અશોક ભટ્ટ વર્તમાન નગરસેવક બ્રીજીશા સોલંકી અને તેના પતિ સંજય સહિતના લોકો છેલ્લા ઘણા સમયથી હત્યા કરવાના ઈરાદે અમારા પરિવારનો પીછો કરતા હતા. આ બાબતે અનેક વાર પોલીસમાં જાણ પણ કરી હતી. પરંતુ રાજકીય ઈશારે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી, ત્યારે હવે રાજકીય અદાવતમાં હત્યા કરી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતાં જુનાગઢના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સમગ્ર મામલે મૃતક ધર્મેશ પરમાર કોંગ્રેસ અગ્રણી પણ છે. આજે સવારે બિલખા રોડ પર રામનિવાસ નજીક ધર્મેશ પરમાર પોતાના બાઇક પર જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ઈસમોએ તેનો પીછો કરી તીક્ષ્ણ હથિયારો માથા, છાતીના અને પેટના ભાગે ધડાધડ મારી દેતા ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત બનેલ ધર્મેશ પરમારે બચવાના પણ ઘણા મરણિયા પ્રયાસો કર્યા હતા. પરંતુ હત્યારાઓએ તો નક્કી જ કરી લીધું હતું કે, તેની હત્યા જ કરવી.
જોકે, ગંભીર હાલતમાં ધર્મેશ પરમારને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ સીસીટીવી કેમેરા અને પરિવારજનોએ કરેલા આક્ષેપના આધારે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જેમાં આ ગુનહામાં કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.