જુનાગઢ : ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું, પ્રશાસનની કડક કાર્યવાહી

New Update
જુનાગઢ : ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું, પ્રશાસનની કડક કાર્યવાહી

જૂનાગઢ જીલ્લામાં આવેલ બીલખાના થુંબાળા ગામે ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું છે. પ્રાંત અધિકારીની આગેવાનીમાં તંત્ર દ્વારા રેડ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રેડમાં એક હિટાચી ,ત્રણ હોડી અને ચાર ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે.

જૂનાગઢના બીલખા પાસે આવેલા થુંબાળા ગામની ઓજત નદીમાંથી મોટા પાયે રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. જૂનાગઢના પ્રાંત અધિકારી અંકિત પન્નુને બાતમી મળી હતી કે, ઓઝત નદી વિસ્તારમાં કેટલાક લોકો પોતાને મળેલી લીઝ થી દૂર બીજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે, જેને લઈને તેઓ પોલીસ, મામલતદાર અને રોયલ્ટી ઇન્સ્પેકટર સાથે મળીને સ્થળ છાપો માર્યો હતો. જેમાં બિલખા વિસ્તારમાં આવેલ થુંબાળા ગામની સીમમાં ઓઝત નદીના પટમાં લીઝની બહાર રેતીની મોટા પાયે ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું, સ્થળ પર નદીમાંથી ત્રણ બોટ, નદીકાંઠેથી એક હિટાચી મશીન અને ચાર ટ્રેક્ટરો ને કબજે કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોટા પાયે થતી ખનીજ ચોરી અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા માપણી કરીને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવી છે તેનો સર્વે કરીને દંડ કરીને તેમની લીજ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં ઓજત, ભાદર, ઉબેણ સહિતની નદીઓમાં ઠેક-ઠેકાણે હોડીઓ મારફત મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ચોરીનું મોટું કારસ્તાન ચાલી રહ્યું છે, ત્યારે આજે એક સ્થળેથી ખનીજ ચોરી પકડવામાં આવી છે, પરંતુ પ્રસાશન કડક હાથે પગલા લઈને ખનીજ માફિયા સામે લાલ આંખ કરે તો હજુ અનેક સ્થળેથી આ પ્રકારની ગેરકાયદે ખનીજ ચોરી સામે આવી શકે તેમ છે.

Latest Stories