/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/19173143/maxresdefault-244.jpg)
જુનાગઢ ખાતે મનપા દ્વારા આપવામાં આવતી લોન લેવા મહિલાઓએ લાંબી કતારો લગાવી હતી, ત્યારે છેલ્લા 10 દિવસથી મનપા દ્વારા ધરમધક્કા ખવડાવતા રોષે ભરાયેલી મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
જુનાગઢની મનપા કચેરી ખાતે કેટલાક સમયથી મોટી સંખ્યામાં મહિલાઓ લોન લેવા ઉમટી પડે છે. પરંતુ મનપા દ્વારા છેલ્લા 10 દિવસથી લોન લેવા માટે મહિલાઓને ધક્કા ખવડાવતા રોષે ભરાયેલી મહિલાઓએ ભારે હંગામો મચાવી મનપા કચેરીને માથે લીધી હતી. જેમાં મનપાના વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન અપાતું નહીં હોવાનું પણ મહિલાઓએ જણાવ્યુ હતું.
સમગ્ર મામલાની જાણ NCPના મહિલા અગ્રણી રેશ્મા પટેલને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી મહિલાઓની વાત સાંભળી હતી, ત્યારે NCPના મહિલા અગ્રણી રેશ્મા પટેલ અને મહિલાઓ સાથે મનપા કર્મચારીઓની બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જેમાં ભાજપના સત્તાધીશોના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
જોકે સમગ્ર ઘટના અંગે ડેપ્યુટી કમિશનરે જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારીના કારણે લોકોને કચેરીની અંદર મર્યાદા પ્રમાણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ડેપ્યુટી કમિશનરને વધુ સવાલ પૂછતાં તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું.