ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોરના ચરણે ભક્તો દ્વારા ધરવામાં આવેલા સોનાના દાગીના અને લગડીને કેન્દ્ર સરકારના ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરવાનો નિર્ણય મંદિરના સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના ડાકોર મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વર્ષોથી ભેટ સ્વરૂપે આવેલા સોનાના દાગીના, લગડીને ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રણછોડરાયજી મંદિર કમિટી દ્વારા હાલ 28 કિલો અને 186 ગ્રામ સોનું કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનામાં સોનાના ઘરેણાંનું રોકાણ કરી વાર્ષિક સવા બે ટકા લેખે સારું વ્યાજ પણ લેવામાં આવશે. જોકે હાલના બજાર ભાવ પ્રમાણે આ સોનાની કિંમત રૂપિયા 14 કરોડ જેટલી થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1962માં ડાકોર મંદિર દ્વારા 27 કિલો જેટલું સોનું ભારત અને ચીનના યુધ્ધ સમયે સરકારને આપ્યું હતું. જેમાંથી સરકાર દ્વારા 21 કિલો જેટલું સોનું ડાકોર મંદિરને પરત આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંદિર પ્રસાસને વર્ષ 2000ની સાલમાં પણ રોકાણ કર્યું હતું. જે વર્ષ 2014માં પરત ખેંચ્યું હતું, ત્યારે હવે ચાલુ વર્ષે પણ સતત ત્રીજી વખત રોકાણ કર્યું છે. જોકે આ વખતે 28 કિલો 186 ગ્રામ સોનું કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં આવ્યું છે.