દેશમાં મોંઘવારી રોકેટ ગતિથી વધી રહી છે ત્યારે હવે ભગવાનને અર્પણ કરવામાં આવતા વસ્ત્રોના ભાવમાં પણ વધારો નોધાયો છે. ડાકોરના મંદિરમાં દાન રૂપે સ્વીકારવામાં આવતી ભગવાનના વસ્ત્રની કિંમતમાં વધારો કરાયો છે.
સાંપ્રત સમયમાં પેટ્રોલ ડીઝલ ,અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુના ભાવ કુદકેને ભુસકે વધી રહ્યા છે પણ આશ્ચર્યની વાત તો એ છે કે મોઘવારીના મારમાંથી ડાકોરના ઠાકોર પણ બાકાત રહ્યા નથી. ઠાકોરજીને અર્પણ કરવામાં આવતા વસ્ત્રોની કિમતમાં પણ વધારો થયો છે. ડાકોર ખાતે ભગવાન શ્રી કૃષ્ણનું જગવિખ્યાત મંદિર આવેલું છે જ્યાં દેશ અને વિદેશથી ભાવિકો દર્શન માટે આવતા હોય છે. મંદિરની પરંપરા મુજબ ૩૬૫ દિવસમાંથી અંદાજીત ૨૫ દિવસ એવા હોય છે જેમાં ભગવાનના વસ્ત્રો મંદિર તરફથી ધરાવવામાં આવે છે.
આ 25 દિવસો સિવાય ભાવિકો તરફથી ઠાકોરજીને વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. પ્રભુને વસ્ત્રો અર્પણ કરવા માટે મંદિરમાં 2,500 રૂપિયા લેવામાં આવતા હતા. હવે તેની કીમત ચાલુ વર્ષે ૫૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે. પેહલા આ રકમ મંદિર ખાતે રૂબરૂમાં સ્વીકારવામાં આવતી હતી પણ હવે આખી કાર્યવાહી ઓનલાઈન કરી દેવાઈ છે .મંદિર તરફથી લેવાયેલા પગલાના કારણે હવે દુનિયાના કોઈ પણ સ્થળેથી ઠાકોરજીને વસ્ત્રો અર્પણ કરી શકાશે।