ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજ શહેરની બજારોમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે.

આ વર્ષે તા. 22મી ઓગષ્ટ રવિવારના રોજ ભાઈ-બહેનના પવિત્ર સંબધ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ભુજની બજારોમાં રાખડીઓની ભરમાર જોવા મળી છે. ભુજના વાણિયાવાડ, શરાફ બજાર અને મહેરઅલી ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં બહેનો દ્વારા રાખડીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે.

જોકે, દર વર્ષની જેમ રાખડીઓમાં આ વર્ષે પણ રુદ્રાક્ષ, ડાયમંડ, લાલ ધાગા, બ્રાહ્મણ રાખડી અને કાર્ટૂન રાખડી સહિતની અવનવી રાખડીઓ જોવા મળી રહી છે, ત્યારે હવે કોરોનાનો ઓછાયો હટી જતા આ વર્ષે રક્ષાબંધનના તહેવારની ઠેર ઠેર રોનક જોવા મળશે તેમ લાગી રહ્યું છે.