તાન્ઝાનિયાથી ભારતના મુન્દ્રા બંદર ખાતે આવી રહેલાં ઇઝરાયલની કંપનીની માલિકીના કન્ટેનર જહાજ પર મધદરિયે મિસાઇલથી હુમલો થયો હતો. હુમલાના ભોગ બનેલાં જહાજને બે દિવસની જહેમત બાદ મુન્દ્રા બંદર ખાતે લાવવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં ઇઝરાયેલી જહાજ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તાન્ઝાનિયાથી મુન્દ્રા આવી રહેલ ઇઝરાયલના જહાજ પર થયેલા હુમલામાં તમામ ક્રુ મેમ્બરનો બચાવ થયો છે. સમાચાર એજન્સીઓના રિપોર્ટ મુજબ ગુરુવારની મધરાત અને શુક્રવારની વહેલી સવાર વચ્ચે આ હુમલો થયો હતો. હુમલો થયા બાદ અંતે આ શિપ અંતે શુક્રવારે મોડેકથી મુન્દ્રા આવી પહોંચ્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓ આ બનાવને પગલે સતર્ક બની ગઈ હતી અને તપાસ આદરી દેવામાં આવી હતી.
હુમલાનો ભોગ બનેલું લોરી નામનું ઇઝરાયલની એક્સ-ટી મેનેજમેન્ટ કંપનીની માલિકીનું છે. કાર્ગો ભરીને આ શિપ તાન્ઝાનિયાથી મુન્દ્રા આવી રહ્યું હતું. જહાજની વોટરલાઇન ઉપરના ભાગે બ્લાસ્ટ થયો હતો. એન્જીનના ભાગમાં પણ નુકસાન હોવા છતાંય કન્ટેનર સાથે શિપ મુન્દ્રા પોર્ટ પહોંચવામાં સફળ રહ્યું હતું.આ અગાઉ પણ ગત મહિને ઇઝરાયેલી કાર્ગો શિપ પર પણ મધદરિયે ગલ્ફ ઓફ ઓમાનમાં હુમલો થયો હતો, જેથી એજન્સીઓએ મુદ્દે પણ કડીઓ જોડી રહી છે. બંને જહાજ પર ઇરાને હુમલો કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.