કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં અધકચરા લોકડાઉનથી વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. કોઈપણ ભોગે દુકાનો શરૂ કરવા હવે ભુજના વેપારીઓએ મન બનાવી લીધું છે, ત્યારે સ્વૈચ્છીક લોકડાઉન વખતે બે હાથ જોડીને બંધની અપીલ કરનારા ભુજના નગરપતિ, ધારાસભ્ય અને રાજયમંત્રી હવે દુકાનો શરૂ કરવા માટે આગળ આવે તે માટેનો રોષ વેપારીઓએ ઠાલવ્યો હતો.
ભુજ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજયમંત્રી વાસણ આહીર, ભુજના ધારાસભ્ય નીમા આચાર્ય, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોરે વેપારીઓને વિનંતી કરી હતી કે, આગામી 3 દિવસ સુધી દુકાનો બંધ રાખો અને લોકડાઉનને સફળ બનાવો, ત્યારે વેપારીઓએ તેમની વાત માની લીધી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કડક નિયંત્રણોના નામે લોકડાઉન કરવામાં આવતા વેપારીઓએ સપ્તાહ સુધી દુકાનો બંધ રાખી હતી. પરંતુ હવે લોકડાઉનની મુદત ફરી વધતા વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે.
ભુજ શહેરમાં મેડિકલ, કરીયાણા, દૂધ, શાકભાજી, બેકરી સહિતની દુકાનો ખુલ્લી છે, જ્યારે બજારમાં તંત્ર દ્વારા વેપારીઓને દુકાન બંધ રાખવા જણાવાયું છે. તો સાથે જ લોકોને હરવા ફરવાની છૂટ છે, તો દુકાનો બંધ રાખવાથી કોરોના ભાગી જશે તેવો સવાલ પણ વેપારીઓએ ઉઠાવ્યો છે. જેમાં વેપારીઓએ આક્રોશભર્યા સ્વરે જણાવ્યુ હતું કે, હવે અમે અમારી દુકાન અડધો કલાક પણ બંધ રાખી શકીએ તેવી સ્થિતિ નથી. કારણ કે, આર્થિક તંગીમાં દુકાન બંધ રાખવી પોષાય નહિ. ખાસ વાત તો એ છે કે, શહેરના તમામ વેપારી સંગઠનો એક થઇ ગયા છે. આ એકતા જ વિજય અપાવશે તેવા આશયથી વાણિયાવાડ, અનમ રિંગ રોડ, છઠ્ઠી બારી, તળાવ શેરી, શરાફ બજાર, ફૂટવેર એસો., સોની બજાર, હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન રોડ, મોબાઈલ એસો. અને ઘડિયાળ એસો., સહિત તમામ સંગઠનોના 800થી વધુ વેપારીઓએ એકતા દર્શાવી છે. તો આર્થિક લાચારીમાં પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતામાં વેપારીઓની આંખમાં આંસુ પણ આવી ગયા હતા, ત્યારે હવે રાજકારણીઓ કોઈપણ ભોગે વેપારીઓનો અવાજ બની વેપાર-ધંધા રાબેતા મુજબ શરૂ કરાવી આપે તેવી માંગ સાથે વેપારીઓએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીઓ પણ બતાવી છે.