/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/26230015/3-7.jpg)
ગાંધીધામની ઑટો એડવાઈઝર પેઢીમાં આરટીઓ એજન્ટ તરીકે નોકરી કરતાં રાપરના સઈ ગામનાં 24 વર્ષિય યુવકનું ભુજમાંથી અપહરણ કરી ઘાતકી હત્યા કરી લાશ ભચાઉમા ફેંકી દેવાના ચકચારી બનાવમાં ભુજ પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
ભુજ બી ડિવિઝન પોલીસે ફરિયાદમાં દર્શાવાયેલાં રાપર તાલુકાના કાનજી ઊર્ફે કાનો સાજણ રબારી અને પ્રવિણ ઊર્ફે પાલો જગાભાઈ રબારી નામના હત્યારાને પકડી લીધાં છે.બંનેની પૂછતાછમાં ગુનામાં સામેલ દેવા કરસન રબારી અને શંકર ઊર્ફે ચકો બધાભાઈ નામના અન્ય બે સહઆરોપીના પણ નામ ખુલ્યાં છે. આ બંને આરોપીને પકડવાના બાકી છે.
નોંધનીય છે કે,મરનાર જીવણ પચાણ રબારી 15મી ડિસેમ્બરના રોજ મિત્ર દુર્ગેશ આહીરને લઈ ભુજ આરટીઓ કચેરીમાં આવ્યો હતો. તે સમયે કાનો અને પ્રવિણ તેને બહાર બોલાવી કારમાં અપહરણ કરી લઈ ગયા હતા. બનાવ અંગે દુર્ગેશે જીવણના સ્વજનોને જાણ કરતાં મોડી રાત્રે તેમણે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે જીવણની ગુમનોંધ લખાવી હતી. દરમિયાન, બીજા દિવસે સવારે ભચાઉના કુંજીસર ગામના તળાવ પાસેથી છરીના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ફેંકી દેવાયેલી જીવણની લાશ મળી હતી. જીવણને કાનાની પત્ની જોડે પ્રેમસંબંધ હોવાથી તેના મનદુઃખમાં આરોપીઓએ તેનું અપહરણ કરી હત્યા કરી હોવાની ફરિયાદ જીવણના પિતાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે લખાવી હતી. હત્યા બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી જતાં એક તબક્કે રબારી સમાજે આરોપીઓને ઝડપથી પકડી પાડવા રજૂઆત કરી હતી.દરમિયાન ભુજ પોલીસે ફતેહગઢના વાડી વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધા હતા, મરનાર જીવણ ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને ગત 30મી નવેમ્બરે તેના ધામધૂમથી લગ્ન થયાં હતા.ઝડપાયેલા બંને આરોપીના 6 દિવસના રીમાન્ડ મંજુર થયા છે.