કચ્છ જિલ્લાના ભુજમાં આવેલી પોસ્ટ ઓફિસની છતના પોપડા ખરી પડતાં કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આ પોપડા કોઈપણ કર્મચારીને નહીં લાગતાં જાનહાની ટળી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, ભુજ સ્થિત ખત્રી ચકલા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની છત પરથી મોટા પોપડા ખરી પડતાં કર્મચારીઓમાં ભય ફેલાયો હતો. પોસ્ટ ઓફિસમાં ચાલતી કામગીરી દરમ્યાન અચાનક છતના પોપડા પડતાં ગ્રાહકો પણ ભયભીત બની ઉઠ્યા હતા. આ મામલે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા જે તે વિભાગને સમારકામ કરવા અર્થે રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં તેઓ રોષે ભરાયા છે, ત્યારે હવે અહી પોસ્ટ ઓફિસના કામે આવતા ગ્રાહકો ઉપર પણ જોખમ ઝળુંબી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જોકે, પોસ્ટ ઓફિસની છત પરથી પોપડા ખરી પડતાં કોઈપણ કર્મચારીને નહીં લાગતાં જાનહાની ટળી હતી.
