રાજ્યમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી પૂર્વ તૈયારીઓ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કલેક્ટરો તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. બેઠક દરમિયાન ભારે વરસાદની સંભાવના ધરાવતા વિસ્તારોની સ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
અધિકારીઓની રજાઓ રદ, કન્ટ્રોલ રૂમ રહેશે 24 કલાક કાર્યરત
સરકારે તમામ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ દરેક જિલ્લામાં 24 કલાક કાર્યરત કન્ટ્રોલ રૂમ શરૂ રાખવા અને તેની દેખરેખ માટે વર્ગ-1ના અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
NDRF-SDRF સાથે સશસ્ત્ર દળોને પણ સ્ટેન્ડબાય રાખવાના આદેશ
નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત અત્યંત કટોકટીની સ્થિતિ સર્જાય તો રાહત અને બચાવ કામગીરી માટે આર્મી, નેવી અને એરફોર્સને પણ સ્ટેન્ડબાય રાખવા સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.
