ગુજરાતમાં ચોમાસું આક્રમક બન્યું છે અને હવામાન વિભાગ દ્વારા સવારે 10:00 થી 1:00 વાગ્યા સુધીના આગામી 3 કલાક માટેનું લેટેસ્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ નાઉકાસ્ટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની તીવ્ર ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ અને ભરૂચમાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે મુસળધાર વરસાદ ખાબકવાની પૂર્ણ શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ અને વડોદરા સહિતના વિસ્તારો માટે આ 3 કલાક ખૂબ જ મહત્વના રહેશે.
રાજ્યના 15 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાને જોતા ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ માટે થોડા રાહતના સમાચાર છે કારણ કે તેમને 3 કલાક માટે ‘રેડ એલર્ટ’માંથી મુક્ત કરીને ‘ઓરેન્જ એલર્ટ’માં રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દીવ સહિત 15 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: અમદાવાદ-ભરૂચ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ
