ગુજરાતના દરિયા કિનારે 14 અને 15 દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે, ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા લોકોના હિતમાં સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોએ શું કરવું અને શું ન કરવું તે માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોએ ફાનસ, ટોર્ચ, ફૂડ, પાણી, કપડાં સહિતની વસ્તુઓ ભેગા કરી રાખવા, મીડિયામાં આવતા સમાચારો પર જ ધ્યાન આપવું. જ્યારે વાવાઝોડા સમયે ઝાડ કે થાંભલા પાસે ઉભા ન રહેવું.
· વાવાઝોડા પહેલા આટલું કરો
વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું. તેમજ ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી.
· વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા
જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવા.
· વાવાઝોડા સમયે આટલું કરો
વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું અને ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું, ઘરની બહાર નીકળવું નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરનાં તમામ બારી-બારણાં બંધ કરી દેવા, ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલરૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
· વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું
આ ઉપરાંત વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો, ખુલ્લા-છૂટા પડેલા વાયરોને અડવું નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. આ તમામ બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.