ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
શેરપુરાના ગ્રામજનો દ્વારા રજુઆત
રોડના બાંધકામને લઈ રજુઆત કરાય
એન.એચ-64ની ચાલી રહી છે કામગીરી
સમસ્યાના નિરાકરણની માંગ
ભરૂચ તાલુકાના શેરપુરા ગામ નજીકથી પસાર થતા NH-64ના બાંધકામને લઈને સ્થાનિક રહીશોએ વિવિધ જાહેર હિતના પ્રશ્નો ઉઠાવ્યા છે. આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને અંડરપાસ,ડ્રેનેજ-કલ્વર્ટ તથા કબ્રસ્તાન સુધીના જૂના માર્ગની કાયમી વ્યવસ્થા કરવા માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
ભરૂચના શેરપુરા ગામના સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, શેરપુરા-ડુંગરી માર્ગ ગામ અને આસપાસની સોસાયટીઓ માટે અવરજવરનો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ માર્ગ પર સુરક્ષિત અંડરપાસની વ્યવસ્થા નહીં થાય તો શાળાએ જતા બાળકો, ખાસ કરીને પગપાળા અને સાયકલથી અવરજવર કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે.ગ્રામજનોના અંદાજ મુજબ આશરે 300થી વધુ વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે, જ્યારે વૈકલ્પિક માર્ગે જવું પડે તો બે થી ત્રણ કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવવો પડી શકે છે.
આ ઉપરાંત, હાઇવેના બાંધકામને કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલમાં અવરોધ ન સર્જાય તે માટે યોગ્ય ડ્રેનેજ અને કલ્વર્ટની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે. ગામથી કબ્રસ્તાન સુધીના વર્ષો જૂના માર્ગની સીધી અને સલામત પહોંચ જળવાઈ રહે તે માટે પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે. સીધો માર્ગ બંધ થવાથી ધાર્મિક પ્રસંગો દરમિયાન અવરજવર માં મુશ્કેલી સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને સંબંધિત હાઇવે અધિકારીઓ અને ગ્રામ પંચાયતની હાજરીમાં સંયુક્ત સ્થળ તપાસ કરાવવા, રોડ સેફ્ટી ઓડિટ હાથ ધરવા તથા જરૂરિયાત મુજબ બાંધકામની ડિઝાઇનમાં સુધારા કરવા માંગ કરી છે. જો તેઓની માંગ ન સંતોષાય તો આશ્ચર્યજનકન કાર્યક્રમ સાથે કોર્ટના દ્વાર ખાખડાવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે
