પેપરકાંડને લઇને ભાજપ અને AAP પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયું છે. ભાજપ કાર્યાલય પર AAP દ્વારા વિરોઘ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન AAPના નેતા ઈસુદાન ગઢવીએ નશાની હાલતમાં ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કરાયો છે. શ્રદ્ધા રાજપૂતે AAP નેતા ઈસુદાન ગઢવી સામે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો સમગ્ર વિરોધ પ્રદર્શન મામલે અલગ-અલગ ફરિયાદો નોંધાઇ છે.

ગાંધીનગર પોલીસે 70 AAP કાર્યકરો સામે ગુનો નોંધ્યો છે. જેમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને પ્રવીણ રામ સહિત ટોળા સામે ફરિયાદો દાખલ કરી છે. આ ફરિયાદમાં અલગ અલગ IPC હેઠળ કલમો દાખલ કરાઇ છે. જેમાં કલમ 452, 353,353 A , 341, 323, 143, 144, 145, 147, 148, 149, 151, 152, 269, 188, 429, 504, 120B, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિક એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135 સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઇ છે. બિન જામીન પાત્ર કલમો ઉમેરવામાં આવી છે. તમામને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા . જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આજની આ ઘટના બાદ ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.