અંકલેશ્વર નજીક નર્મદા કિનારેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નદી કિનારે માછીમારી કરી રહેલા માછીમારોની નજરે નવજાત બાળકીનો બિનવારસી મૃતદેહ પડ્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી.માહિતી મળતા સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા નવજાત બાળકીના મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
નવજાત બાળકીનો મૃતદેહ નદી કિનારે મળી આવતા લોકોમાં ભારે અરેરાટી અને આક્રોશ જોવા મળ્યો છે. નિર્દોષ બાળકીના મૃતદેહને આ રીતે બિનવારસી હાલતમાં છોડી જનાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને બાળકીના મૃત્યુ તથા તેને નદી કિનારે કોણ મૂકી ગયું તે અંગેના કારણો શોધવા કાર્યવાહી હાથ ધરી છે.
