ભરૂચના ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધને કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે. પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મરણ જનાર યુવક રાજપારડીનો રહેવાસી હતો, જ્યારે યુવતી ઝઘડિયાની રહેવાસી હતી. બન્ને પરણિત હતા અને તેમને બે-બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે.
ગત તા. 10મીના રોજ બન્ને ગુમ થયા હતા, જેને લઈને પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ દરમિયાન બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારબાદ મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલ ઝઘડિયા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.