“માતૃ વંદના” : વાલીયાના ચંદેરીયા ગામે સ્વર્ગસ્થ માતૃશ્રીના નામે ધારાસભ્ય મહેશ વસાવા કરશે વિદ્યાલયનું ખાતમુહૂર્ત

New Update
“માતૃ વંદના” : વાલીયાના ચંદેરીયા ગામે સ્વર્ગસ્થ માતૃશ્રીના નામે ધારાસભ્ય મહેશ વસાવા કરશે વિદ્યાલયનું ખાતમુહૂર્ત

આજના કળિયુગમાં જ્યારે મા-બાપને અમુક લોકો ઘરડા ઘરમાં મૂકી આવે છે, ત્યારે તેવા સમયમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ ઝઘડિયાના માલજીપુરા ગામે પોતાના વતનમાં તેમની સ્વર્ગસ્થ માતાનું મંદિર બનાવી તેઓની પૂજા કરી રહ્યા છે. તેઓ દ્વારા સંચાલિત માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા. 11મી એપ્રિલના રોજ તેઓના માતાશ્રી સ્વર્ગસ્થ સરોજબેન છોટુભાઈ વસાવાના નામે વિદ્યાલયનું ખાતમુર્હુત કરવામાં આવનાર છે. મહાત્મા જ્યોતિબા ફૂલેની 194મી જન્મજયંતી તેમજ ધારાસભ્ય મહેશ વસાવાના જન્મદિવસ નિમિત્તે માતૃશ્રીના નામે ભરૂચ જિલ્લા વાલીયા તાલુકાના ચંદેરીયા ગામે 19 એકર જમીનમાં નર્સરીથી લઇ સ્નાતક સુધીના શિક્ષણનું કેમ્પસ ઉભું કરી એક અનોખા વિદ્યાલયનું ખાતમુર્હુત કરવામાં આવનાર છે.

publive-image

સામાજિક લડતમાં સહભાગી એવા સ્વ. સરોજબેન છોટુભાઈ વસાવા પછાત વર્ગ માટે લડત આપનારા મોહનભાઈ નરસિંહભાઈ ભગત (પૂર્વ ધારાસભ્ય)ના પુત્રી છે. જેઓનો જન્મ 1946ના વર્ષમાં થયો હતો. જ્યારે 2014ના વર્ષમાં તેઓનું અવસાન થયું હતું. આઝાદી પછી વર્ષ 1952માં યોજાયેલી ભારતની લોકશાહીની અને આઝાદ હિન્દુસ્તાનની પ્રથમ ધારાસભાની ચૂંટણીમાં મોહનભાઈ નરસિંહભાઈ ભગત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તે‌ સમયે જમીનદારો દ્વારા ગરીબ આદિવાસીઓ ઉપર અત્યાચાર તેમજ જુલમ કરવામાં આવતો હોવાના સંદર્ભે મોહન ભગત દ્વારા તેમની‌ સામે‌ લડત ચલાવવામાં આવી હતી. બહારથી આવેલા જમીનદારો દ્વારા જમીન પચાવી પાડવાના કેસમાં તેઓ લડાઈ ચલાવતા હતા. જે સમયની ચાલતી લડાઈમાં જોડાઈ તલાટી તરીકે ફરજ બજાવતા છોટુ વસાવા વર્ષ 1970માં મોહન ભગતની પુત્રી સરોજ સાથે લગ્ન કર્યા હતા. આદિવાસી સમાજ સાથેના અન્યાયની લડાઈમાં જોડાયેલા છોટુ વસાવાએ વર્ષ 1975માં આવેલી ઈમરજન્સીના સમયે 16 માસ જેલવાસ પણ ભોગવ્યો હતો. જે તે સમયે પણ તેઓના પત્ની સરોજ વસાવા સામાજિક લડાઈમાં છોટુભાઈ સાથે ખડેપગે રહ્યા હતા. 1980ના વર્ષ દરમિયાન જમીનદારો દ્વારા મોહન ભગતની હત્યા કરવામાં આવી હતી, જે પછીની લડાઈ છોટુ વસાવાએ સંભાળી આદિવાસીઓના મસીહા તરીકે ઉભરી આવ્યા છે. તેઓ છેલ્લી 6 ટર્મથી ઝઘડીયા-વાલીયા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. તો તેઓના પુત્ર મહેશ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય પદે ચૂંટાઈ સામાજિક અન્યાય સામેની લડાઇ ચલાવી રહ્યા છે.

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાની પત્ની સરોજબેનનું વર્ષ 2014માં અવસાન થયું હતું, અને તેમની દફનવિધિ તેમના નિવાસ નજીક કરવામાં આવી હતી. તેમના અવસાનના થોડા જ મહિનાઓમાં તેમના પુત્ર ધારાસભ્ય મહેશ વસાવાએ તેમના વતન ઝઘડિયાના માલજીપુરા ખાતે તેમની માતા સરોજબેનનું મંદિર બનાવ્યું છે અને રોજિંદા પરિવારના તમામ સભ્યો માતાના દર્શન કરવા મંદિરે જઈ પૂજા અર્ચના કરે છે. હવે જ્યારે ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા વિદ્યાલય બનાવવાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે તે વિદ્યાલયનું નામ તેમની માતાના નામથી સ્વ. સરોજબેન છોટુભાઈ વસાવા વિદ્યાલય રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. આગામી તા. 11મી એપ્રિલના રોજ આ વિદ્યાલયના ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories