પશ્ચિમ બંગાળ સરકારમાં ગ્રાહક બાબતો, સ્વસહાય જૂથો અને સ્વરોજગાર મંત્રી સાધન પાંડેનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે. તેમણે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સીએમ મમતા બેનર્જીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

મમતાએ શોક વ્યક્ત કરતાં લખ્યું કે અમારા વરિષ્ઠ સહયોગી, પાર્ટીના નેતા અને કેબિનેટ મંત્રી સાધન પાંડેનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે. લાંબા સમયથી અદ્ભુત સંબંધ હતો. આ ખોટથી ખૂબ જ દુઃખી છું. તેમના પરિવાર, મિત્રો, અનુયાયીઓ પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ. ગયા વર્ષે જુલાઈમાં મંત્રી સાધન પાંડેને ફેફસામાં ગંભીર ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી અને તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થતાં તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે આજે તેમનું નિધન થયું હતું.