ગ્રામીણ નારીમાં પરંપરાગત કળા અને આત્મવિશ્વાસનું બળ

સરસોલીના સખી મંડળને મળ્યો સરકારી સહાયનો સહારો

2.70 લાખની લોન સહાયથી આ સાહસની સફળ શરૂઆત

હસ્તકળાના કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવ્યું

દૃઢ સંકલ્પ – સહયોગથી આર્થિક પરિવર્તન શક્ય : NRLM

સરકારી સહાય અને સામુદાયિક એકતાના સહારે અરવલ્લી જિલ્લાના સરસોલી ગામના ચામુંડા સખી મંડળ’એ પોતાના હસ્તકળા કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવી બતાવ્યું છે.

પરંપરાગત કળા અને આત્મવિશ્વાસના બળે જ્યારે ગ્રામીણ નારી પોતાની મહેનતને વ્યાવસાયિક ઓળખ આપે છે, ત્યારે પ્રગતિના નવાં દ્વાર ખૂલે છે. અરવલ્લીના સરસોલી ગામમાં ‘ચામુંડા સખી મંડળ’ સાથે જોડાયેલી 10 બહેનોએ પોતાના હસ્તકળા કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવી બતાવ્યું છે.

સરકારી સહાય અને સામુદાયિક એકતાના સહારે આ બહેનો વિવિધ મેળા અને પ્રદર્શનોમાં સીધું વેચાણ કરીને પરિવારની આર્થિક કરોડરજ્જુ બની છે. વર્ષ 2023’માં સરસોલી ગામે સ્થપાયેલા ‘ચામુંડા સખી મંડળ’ દ્વારા પરંપરાગત હસ્તકળાનો વ્યાવસાયિક પાયો નંખાયો. સરકારી તાલીમ, ગુણવત્તાયુક્ત કાચો માલ અને રૂ. 2.70 લાખની લોન સહાયથી આ સાહસની સફળ શરૂઆત થઈ.

જોકે, આ બહેનો આકર્ષક ટોપીઓ, કલાત્મક નાના ઢોલિયા અને સુશોભિત બૅગ જેવી વૈવિધ્યસભર ચીજવસ્તુઓ બનાવે છે. રૂ. 30 હજારના રિવોલ્વિંગ ફંડની મદદથી પૂનમ તથા મહાશિવરાત્રી જેવા મેળાઓમાં સ્ટોલ લગાવીને તેઓ સીધા ગ્રાહકો સુધી પહોંચી રહી છે.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) થકી, વચેટિયાઓ વિના ઉત્પાદન વેચવાથી લઈને નાણાકીય હિસાબ-કિતાબ સુધીનું તમામ સંચાલન હવે આ મહિલાઓ જાતે જ સંભાળી રહી છે. વારસાગત હુનરને સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરીને આ બહેનોએ સાબિત કરી બતાવ્યું કે, દૃઢ સંકલ્પ અને યોગ્ય સહયોગથી આર્થિક પરિવર્તન શક્ય છે. સરસોલીની આ નારીશક્તિ આજે સમગ્ર પંથક માટે સ્વાવલંબનનું ઉત્કૃષ્ટ પ્રેરણાસ્રોત બની ચૂકી છે.