દેશમાં SIRની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ કપાયા
મતદારોના નામ કપાતા ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ
શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું
કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ કરાય
પોલીસે ટીંગાટોળી સાથે વિરોધ કર્તાઓની અટકાયત કરી
દેશમાં SIRની પ્રક્રિયા દરમ્યાન કરોડો મતદારોના નામ કપાયા હોવાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે સુરતમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
દેશમાં SIRની પ્રક્રિયાના નામે 13 કરોડ મતદારોના નામ કપાયા હોવાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે સુરત કલેકટર કચેરી ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
કલેકટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓના હાથમાં અલગ-અલગ લખાણવાળા પ્લે-કાર્ડ્સ અને બેનરો જોવા મળ્યા હતા, જેમાં ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, આ વિરોધ પ્રદર્શનના પગલે કલેક્ટર કચેરી પરિસરમાં ભારે તંગદિલી અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો.
‘વોટ ચોર-ગદ્દી છોડ’ના નારા સાથે રસ્તા પર ઉતરેલા કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે તેવી ઉગ્ર માંગ કરી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે તમામ વિરોધ કર્તાઓની અટકાયત કરી હતી.
