ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન-રાજપીપલા ખાતે આયોજન
રાજ્યમંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાનમાં શિક્ષકોને સન્માનિત કરાયા
શિક્ષકોએ વિદ્યાર્થીઓને પુનઃપ્રવેશ અપાવવામાં કરી કામગીરી
નર્મદા જિલ્લો 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી પ્રથમ સ્થાને
નર્મદા જિલ્લાના રાજપીપલા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં રાજપીપલા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે પુનઃ પ્રવેશ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ જીવનના સર્વાંગી વિકાસનું પ્રથમ પગથિયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ-2003માં નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારથી રાજ્યમાં શાળા છોડતા બાળકોના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાયો છે.
નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ બાળકોમાંથી 3,906 બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાવવામાં સફળતા મળી છે. પરિણામે જિલ્લામાં 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે નર્મદા જિલ્લા માટે ગૌરવની સિદ્ધિ છે.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ અંજના વસાવા, જિલ્લા કલેક્ટર ગંગાસિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, જિલ્લા શિક્ષણાધિકારી કિરણ પટેલ સહિતના સંબંધિત અધિકારીઓ, શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
