નર્મદા જિલ્લા LCB પોલીસ દ્વારા ડેડીયાપાડા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત રૂ. 79.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂના દુષણને ડામવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન LCB નર્મદાને મહત્વની સફળતા મળી છે. પોલીસ ઇન્સપેક્ટર આર.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ ડેડીયાપાડા-સાગબારા આંતરરાજ્ય સરહદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પો.સ.ઈ. જે.આર.ડામોર (એ.એચ.ટી.યુ.)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે નિવાલ્દા સ્થિત નાયરા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

બાતમી મુજબ મહારાષ્ટ્ર તરફથી આવી રહેલા ટાટા આઈસર કન્ટેનર નં. MH-04-JK-9319ને અટકાવી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. પોલીસે 180 મિલી ક્ષમતાના કુલ 33,552 ક્વાર્ટર કબજે કર્યા, જેની કિંમત રૂ. 64,41,984 થાય છે.
સમગ્ર મામલે LCB પોલીસે દારૂ ઉપરાંત રૂ. 15 લાખની કિંમતનો આઈસર કન્ટેનર, એક મોબાઇલ ફોન તથા જરૂરી દસ્તાવેજો સહિત કુલ રૂ. 79,46,984નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા રાજસ્થાન-બાડમેરના ઓમપ્રકાશ ભાખરારામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મહાદેવ રાજપુતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ડેડીયાપાડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
