IMDની ભારે વરસાદની આગાહીના પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે તાકીદે બેઠક યોજી વરસાદ અંગેની જરૂરી માહિતી અને સાવચેતીના સંદેશાઓ લોકો સુધી ઝડપથી પહોંચાડવા અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી અનુસાર રાજ્યમાં આગામી તા. ૩૧ જુલાઈના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે તેમજ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ આગાહીને ધ્યાને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર ગંગાસિંઘના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, રાજપીપળા ખાતેથી વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓ ઉપરાંત તાલુકા કક્ષાના તમામ ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ જોડાયા હતા.

નર્મદા જિલ્લા કલેકટરએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખી ગામડાં સુધી સમયસર ચેતવણીના સંદેશાઓ પહોંચે તે સુનિશ્ચિત કરવું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા, સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત ગોઠવવા, જરૂરિયાત મુજબ લોકોના સ્થળાંતર માટે સુરક્ષિત સ્થળોની વ્યવસ્થા રાખવા તેમજ આરોગ્ય વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

તેમણે સ્થાનિક સ્તરે ગ્રામ સેવકો, તલાટી કમ મંત્રી, સરપંચ તથા અન્ય જનપ્રતિનિધિઓ સાથે સંકલન સાધી વરસાદ અંગેની જરૂરી માહિતી અને સાવચેતીના સંદેશાઓ લોકો સુધી ઝડપથી પહોંચાડવા ખાસ અનુરોધ કર્યો હતો. આગામી ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટરએ તમામ અધિકારીશ્રીઓને આગામી સૂચના સુધી મુખ્ય મથક (હેડક્વાર્ટર) ન છોડવા તથા સતત સતર્ક રહી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપી હતી.

આ વીડિયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડ, નાયબ કલેકટર વિધુ ખૈતાન, વિવિધ મામલતદારઓ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.