નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકાના ગારદા ગામમાં લોકોના ઘરોમાં પાણીના ઝરણાં ફુટતા લોકોનું જીવન દોહલ્યું બની ગયું છે.
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં આજ દીન સુધી ૧૧૨૪ મિ. મિ. વરસાદ વરસી ચુકયો છે. વરસાદના કારણે ગારદા ગામના લોકો અનોખી વિપદાનો સામનો કરી રહયાં છે. લોકોના ઘરોમાં કુદરતી રીતે પાણીના ઝરણા ફુટી નીકળ્યાં છે. જમીનમાંથી નીકળી રહેલાં પાણીના કારણે અંદાજીત ૧૫ જેટલા ઘરોમાં રહેતા લોકોની હાલત દયનીય બની છે.ઘરોમાં પાણીની વચ્ચે તેઓ જીવન વ્યતિત કરી રહયાં છે. રસોઇ બનાવવામાં તથા સુવામાં તેમને અગવડ પડે છે. ગારદામાં ગામની બાજુ માંજ ડુંગર આવેલો છે જેથી કરીને ડુંગર અને રોડ પરનું પાણી નીચાણ વાળા ઘરોમાં આવી જાય છે. જેથી આ ગામમાં વહેલી તકે પાણીનાં નિકાલ માટે ગટર લાઇનની વ્યવસ્થા થાય તેવી ગામ લોકોની માંગ ઉઠી છે.જેથી કરીને ડુંગર તેમજ રોડ પરનું પાણી ગટર મારફતે બહાર નિકાલ કરવામાં આવે તેવી ગામલોકો માંગ કરી રહયાં છે.