Connect Gujarat
નવરાત્રી 2023

વડોદરા: એક એવું મંદિર કે જ્યાં મહાકાળી માતાની ખંડિત મૂર્તિની કરાય છે પૂજા, જુઓ રોચક કારણ

વડોદરાના જૂનીઘડી વિસ્તારના મહાકાળી માતાના મંદિરનો મહિમા, પાવાગઢથી મહાકાળી માતા વડોદરા આવ્યા હોવાની માન્યતા

X

વડોદરાના જુનીઘડી સ્થિત બિરાજમાન ભદ્રકાળી માતાના મંદિરની પણ ખૂબ જ રસપ્રદ વાર્તા છે જે જાણીને તમને પણ અહીંની એક મુલાકાત લઈ માતાજીના દર્શન કરવાની ઈચ્છા જરૂર થશે. તો આવો વડોદરાના જુનિઘડી વિસ્તારમાં બિરાજમાન ભદ્રકાળી તેમજ મહાકાલી માતાના દર્શન કરી જાણીએ અહીંની અદભુત દંત કથા.

વડોદરાના મહારાજા મહાકાળી માતાના પરમ ભક્ત હોવાના કારણે તેમને ભદ્રકચેરી કે જ્યાં વડોદરા સ્ટેટમાં પ્રવેશવાનો મુખ્ય દ્વાર હતો એ દ્વાર નીચેથી ખુફિયા માર્ગ બનાવ્યો હતો જે માર્ગ સીધો પાવાગઢ જતો. મહારાજા આ માર્ગ મારફતે પાવાગઢ મહાકાળી માતાના દર્શન હેતુ જતા હતા.એક વાર મહારાજાએ મહાકાળી માતાને અરજ કરી કે હે માં તમે જો મારી ભક્તિથી પ્રભાવિત થયા હોય તો એક વખત મારા રાજ્યમાં આવી રાજ્યની ભૂમિને પવિત્ર કરો જેથી રાજ્યની પ્રજાના તમામ દુઃખ દર્દ દૂર થાય. જેથી રાજાની અરજ સાંભળી એક રોજ મહાકાળી મા મધરાત્રી એ રાજ્યના ગુપ્ત માર્ગે વડોદરા રાજ્યના મુખ્ય દ્વાર પર આવ્યા અને દરવાજા ખટખટાવ્યા ત્યાં હાજર સિપાહીએ સવાલ કરતા માતાજીએ પોતાની ઓળખ આપી પરંતુ સિપાહીને ભરોસો ન બેસતા માતાજીએ એ સિપાહીને પરચો બતાવ્યો. જેથી સિપાહીએ માતાજી પાસે વચન લીધું કે જ્યાં સુધી હું મહારાજાને લઈ પરત ન ફરું ત્યાં સુધી તેઓ આ સ્થળ નહીં છોડે.

માતાજી પાસે વચન લીધા બાદ સિપાહી મહારાજા પાસે ગયા અને મહાકાળી મા દ્વાર પર આવ્યા હોવાનો સંદેશો આપ્યો અને સમગ્ર વાત જણાવી. સિપાહીની વાત સાંભળી સેનાપતિની દાનત બગડી અને તેને મહારાજાને જણાવ્યું કે વચન પ્રમાણે આ સિપાહી તમને માતાજી પાસે લઈ જાય તો જ માતાજી સ્થળ છોડશે.જેથી માતાજીને કાયમ માટે વડોદરા સ્ટેટમાં રોકી લેવા સેનાપતિ દ્વારા સિપાહીની હત્યા કરી દેવામાં આવી અને બાદમાં મહારાજા અને સેનાપતિ મહાકાળી મા પાસે ગયા. જ્યાં મહાકાળી માતાજીએ સિપાહીને બોલાવો તો હું મારા નિયત સ્થળ પાવાગઢ જાઉ તેમ રાજાને કહેતા રાજાએ પોતે કરેલા કપટની કબૂલાત મહાકાળી મા સમક્ષ કરી.

જેથી રાજાના કપટથી દુઃખી થયેલા મહાકાળી મા અહીંયા ચંદન સ્વરૂપે બિરાજમાન થયા અને ત્યારથી જ આ પ્રવેશ દ્વારને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો આજે પણ શહેરના જુનિઘડી વિસ્તારમાં આ પ્રવેશ દ્વારના કેટલાક અંશો હાજર છે. ગેટના પ્રવેશ દ્વાર પર સૈનિકો માટે બનાવેલા બે ગોખલામાં કાળ ભૈરવની સ્થાપના પણ કરવામાં આવી છે.અંગ્રેજોના શાસન બાદ આ કોટને તોડવાનું કામ ચાલુ જ હતું દરમિયાન એમાંથી અચાનક ભમરાઓ ઉડવા લાગ્યા અને એક ભેદી ધડાકો થયો જેમાં સેંકડો મજૂરો ઇજાગ્રસ્ત પણ થયા હતા. બાદમાં ત્યાં તપાસ કરતા સ્વયંભૂ પ્રકટ થયેલી ભદ્રકાળી માતાની મૂર્તિ મળી આવી. મજૂરો દ્વારા ખોદકામ માટે જે તીક્ષ્ણ ઓજારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ઓજાર વાગી જતા ભદ્રકાળી માતાની મૂર્તિનું નાક તૂટી ગયું હતું. આજે પણ આ ભદ્રકાળી મંદિરમાં સ્થાપિત મૂર્તિનું નાક ખંડિત થયેલું જોવા મળે છે.હિન્દૂ શાસ્ત્રો મુજબ ક્યારેય પણ ખંડિત મૂર્તિની સ્થાપના ન કરી શકાય જેથી જ અહીંયા ખંડિત મૂર્તિ સાથે ભદ્રકાળી માતાની બીજી આબેહૂબ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

Next Story