નવસારી : કાછોલીમાં કેરી ચોરી મામલે બે જૂથ વચ્ચે સર્જાયું ઘર્ષણ, પથ્થરમારામાં ડીવાયએસપીને પહોચી ઇજા

New Update
નવસારી : કાછોલીમાં કેરી ચોરી મામલે બે જૂથ વચ્ચે સર્જાયું ઘર્ષણ, પથ્થરમારામાં ડીવાયએસપીને પહોચી ઇજા

નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના કાછોલી ગામે આંબાવાડી વિસ્તારમાં થયેલી કેરી ચોરીનો રેલો જૂથ અથડામણ સુધી આવી ગયો હતો, ત્યારે જૂથ અથડામણને કાબુમાં કરવા આવેલ પોલીસ પર જૂથના એક ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં નવસારીના ડીવાયએસપીને ગંભીર ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર, ગણદેવી તાલુકાના કાછોલી ગામે આંબાવાડી વિસ્તારમાંથી અંદાજે 8 મણ જેટલી કેરી ગત તા. 17 એપ્રિલના રોજ ચોરી થઈ હતી. ત્યારે કેરી ચોરી મામલે એક કોમના જૂથે બીજી કોમના વ્યક્તિને માર માર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેની દુશ્મનાવટ રાખી ગત રાત્રીએ એક મોટું ટોળું આવી માર મારનાર વ્યક્તિઓના મકાનો પર પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો, ત્યારે નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.રાણાને માથાના ભાગે પથ્થર વાગતા ગંભીર ઇજાના પગલે સારવાર હેઠળ ખસેડાયા હતા.

જોકે, પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસ અને ઉશ્કેરાયેલ ટોળાનું ઘર્ષણ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ મામલે ખુદ પોલીસ ફરિયાદી બની ટોળા વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયાઓ શરૂ કરી છે.