દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર NEET-UG પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ મોટી કાર્યવાહી કરી છે. CBI ની આર્થિક ગુના શાખાએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ સમગ્ર કૌભાંડની ઝડપી સુનાવણી માટે ખાસ રચાયેલી સ્પેશિયલ ફાસ્ટ-ટ્રેક કોર્ટ સમક્ષ આ ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. હાલમાં આ તમામ 13 આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને હવે કાયદાનો ગાળિયો તેમના પર વધુ મજબૂત બની રહ્યો છે.

આ હાઈ-પ્રોફાઈલ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં CBI તરફથી સરકારી વકીલ તરીકે અર્જુન આનંદની નિમણૂક કરવામાં આવી છે. આરોપીઓ સામે અત્યંત કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં નવી ભારતીય ન્યાય સંહિતા (અગાઉની IPC), 2023 ની કલમ 315(5), 318(4), 61(2), 238 અને 303(2) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act), 1988 ની કલમ 13(2) અને 13(1)(a) તેમજ તાજેતરમાં લાગુ કરાયેલા પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 ની કલમ 3, 4, 5, 10 અને 11 હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Show Quick Read
રાઉઝ એવન્યુ કોર્ટ બુધવારે (29 જુલાઈ, 2026) આ ચાર્જશીટની નોંધ લઈને કેસની વધુ સુનાવણી હાથ ધરશે. CBI ની ચાર્જશીટમાં યશ યાદવ, માંગીલાલ બિવલ, દિનેશ બિવલ, વિકાસ બિવલ, શુભમ ખૈરનાર, ધનંજય લોખંડે, પ્રહલાદ કુલકર્ણી, તેજસ હર્ષદ કુમાર, ડૉ. મનોજ શિરુરે, શિવરાજ રઘુનાથ મોટેગાંવકર, મનીષા વાઘમારે, મનીષા માંધારે અને મનીષા સંજય હવાલદારને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. અગાઉ 27 જુલાઈના રોજ ફાસ્ટ-ટ્રેક કોર્ટે પહેલી સુનાવણી કરતા CBI ને પોતાનો પક્ષ રજૂ કરવા વકીલની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આરોપીઓની જામીન અરજી મુલતવી

તાજેતરની સુનાવણી દરમિયાન CBI તરફથી કોઈ વકીલ હાજર ન રહી શકતા કોર્ટે બે આરોપીઓ – દિનેશ બિવલ અને વિકાસ બિવલની જામીન અરજી પરની સુનાવણી મુલતવી રાખી હતી. આરોપીઓ તરફથી એડવોકેટ એ.પી. સિંહે પક્ષ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તમામ આરોપીઓ 6 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. આ સમગ્ર મામલે 12 મેના રોજ સરકારી અધિકારીની ફરિયાદ પરથી FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ 23 જુલાઈએ આ પ્રકારના ગંભીર ગુનાઓની સુનાવણી માટે રાઉઝ એવન્યુમાં ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી હતી અને હવે આ કેસને લગતી તમામ સુનાવણી ત્યાં જ થશે.સુનાવણી ત્યાં જ થશે.