નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા આજે ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ 1 એપ્રિલે વિદેશ મંત્રી એસ જયશંકર અને 2 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતની મુલાકાતના મહત્વને ધ્યાનમાં રાખીને નેપાળના પીએમ શ્રીલંકામાં યોજાનારી BIMSTEC બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી, પરંતુ ભારત આવી રહ્યા છે. જોકે, તેઓ BIMSTECને વર્ચ્યુઅલ રીતે સંબોધશે. નેપાળના PAના મીડિયા હેડ ગોવિંદ પરિયારે પીટીઆઈને જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન તેમની સાથે તેમની પત્ની અર્જુ દેઉબા પણ ભારતની મુલાકાતે છે. આ સિવાય ચાર કેબિનેટ મંત્રીઓ, સરકારી સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત કુલ 50 લોકો હશે. આ ત્રણ દિવસની મુલાકાત અંગે મંત્રાલયે કહ્યું કે, “નેપાળના વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો (ભારત-નેપાળ) વચ્ચેના બહુપક્ષીય, જૂના અને સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે.” મુલાકાત દરમિયાન પીએમ દેઉબા પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે.
